વ્હાલા
વડીલો અને મિત્રો,
ગુજરાત સમાચાર દૈનિકમાં 22,
ઓગસ્ટ,2012 ને બુધવારમાં પ્રસિધ્ધ થયેલ તંત્રી
લેખ આજના શિક્ષણની ગુણવત્તા વિષે વેધક પ્રકાશ પાડ્તો હોય આપ સૌ મિત્રોને વાંચી તે
ઉપર વિચારવું ગમશે તેમ ધારી મારાં બ્લોગ ઉપર મૂકેલ છે. આભાર !
ઉચ્ચ
શિક્ષણમાં ગુણવત્તાનો પ્રશ્ન——-તંત્રી લેખ,
ગુજરાત સમાચાર દૈનિક
શિક્ષણમાં
ગુણવત્તાના મામલે તકરાર અને બૂમબરાડા ફક્ત અનામતનો પ્રશ્ન આવે ત્યારે જ ઊભા થતા હોય
છે. ‘અનામત બેઠકોને લીધે ઉતરતી ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની
ફરજ પડે છે અને તેના લીધે એકંદરે ઉચ્ચ શિક્ષણનું સ્તર કથળે છે’ આવી લોકપ્રિય દલીલ ઘણી વાર સાંભળવા મળે છે. પરંતુ સેલ્ફ ફાયનાન્સ્ડ
શિક્ષણસંસ્થાઓના જમાનામાં અનામતના ખાળે ડૂચા દેવાનાં ખ્વાબ જોતા ઘણાખરા લોકોને,
ધનિકો માટે ઉઘાડાફટાક થઇ ગયેલા દરવાજા ભાગ્યે જ દેખાય છે.
શૈક્ષણિક
સંસ્થાઓના મામલે ‘સેલ્ફ ફાયનાન્સ્ડ’નું ગુજરાતી સામાન્ય રીતે ‘સ્વનિર્ભર’ એવું કરવામાં આવે છે, પરંતુ શબ્દકોશને બદલે
વ્યવહારનો સંદર્ભ લઇએ, તો સેલ્ફ ફાયનાન્સ્ડ શિક્ષણસંસ્થાઓ
કેવળ સ્વનિર્ભર બનીને- પોતાના પગ પર ઊભી રહીને- અટકી જતી નથી, બલ્કે તે નાણાંના બળે દોડવા અને ઉડવા પણ પ્રયાસ કરતી જણાય છે. એ દૃષ્ટિએ
તેમને સ્વનિર્ભર કરતાં ખાનગી કે ધંધાદારી કહેવી વધારે યોગ્ય ગણાશે.
છેલ્લાં
થોડાં વર્ષોમાં શિક્ષણક્ષેત્રે સરકારી સંસ્થાઓ ખૂણે હડસેલાઇ રહી છે અને ખાનગી
સંસ્થાઓનો દબદબો વધી રહ્યો છે. આઇ.આઇ.એમ. અને આઇ.આઇ.ટી.ને બાદ કરતાં,
સરકારના સીધા યા આડકતરા અંકુશ તળે રહેલી મોટા ભાગની સંસ્થાઓ,
સેલ્ફ ફાયનાન્સ્ડ સંસ્થાઓ સામેની લડાઇ હારી રહી છે. મુખ્ય સવાલ ‘ખાનગી વિરુદ્ધ સરકારી’નો નથી. એવી જ રીતે, ‘સરકારી એટલે રેઢિયાળ’ અને ‘ખાનગી
એટલે ગુણવત્તાસભર’ એવું જૂનું સમીકરણ પણ હવે લાગુ પાડી શકાય
એમ નથી. હા, ‘સરકારી એટલે સસ્તું’ અને ‘ખાનગી એટલે મોંધુંદાટ’ એવું અવશ્ય છે, પણ ‘મોંધું એટલું સારું’ એવું
કહી શકાતું નથી.
ખાનગી-
ધંધાદારી શિક્ષણસંસ્થાઓનું તોતંિગ આર્થિક પાસું બેશક ભારતના બહુમતી વર્ગને ઉચ્ચ
અભ્યાસથી વંચિત રાખી શકે એવું છે. છતાં, તેની
અંદર કોઇ રીતે પ્રવેશ મળી જાય તો પણ વધારે મહત્ત્વનો એવો ગુણવત્તાનો મુદ્દો ઊભો
રહે છે.
ગુજરાત
સહિત દેશભરમાં ઇજનેરી કે ફાર્મસી કે બિઝનેસ મેનેજમેન્ટની બેઠકસંખ્યામાં ખાનગીકરણ
પછી એટલો મોટો ઊછાળો આવ્યો છે કે સદ્ધર આર્થિક સ્થિતિ ધરાવનાર ફક્ત પાસંિગ માર્ક
લાવે તો પણ આ અભ્યાસક્રમોમાં એક વાર પ્રવેશ તો મળી જ જાય. ઊલટું,
દરેક વર્ષે આ અભ્યાસક્રમોમાં મોટા પ્રમાણમાં બેઠકો, પૂરતા વિદ્યાર્થીઓના અભાવે ખાલી રહે છે. એટલે કે, કોઇ
પણ જાતનું ગળણું આ અભ્યાસક્રમોમાં રહેતું નથી.
પરિણામે,
ત્રિવિધ વક્રતાભરી પરિસ્થિતિ કંઇક આવી સર્જાય છેઃ એક તરફ પ્રવેશ
માટેનું સ્તર નીચામાં નીચું ઉતારવા છતાં બેઠકો ખાલી રહે. બીજી તરફ કહેવા પૂરતું
ઉચ્ચ શિક્ષણ મેળવીને અઢળક વિદ્યાર્થીઓ બહાર પડે. છતાં ત્રીજી તરફ, મોટા ઉદ્યોગોને જરૂરી ગુણવત્તા ધરાવતા ડિગ્રીધારીઓ મળે નહીં. માગ અને
પુરવઠો- એ સાંકળ પ્રમાણે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોની પૂરતી માગ અને પૂરતો પુરવઠો
હોવા છતાં, તેમની વચ્ચેથી ગુણવત્તાનું તત્ત્વ ગાયબ હોવાને
કારણે, માગ અને પુરવઠા વચ્ચેનો સેતુ સર્જાઇ શકતો નથી. એવી જ
રીતે, ડિગ્રીની દુકાનો જેવી ઉચ્ચ શિક્ષણની ખાનગી સંસ્થાઓમાં
બેઠકોનો પુરવઠો એટલો વધી પડ્યો છે કે બેઠકો ખાલી રહે. તેમ છતાં, એ અભ્યાસક્રમોની માગ ઘટતી નથી અને વિદ્યાર્થીઓ આવ્યા જ કરે છે. કારણ કે
તેમના મનમાં કોઇ પણ રીતે ડિગ્રી મેળવીને સારી નોકરીએ વળગી જવાનો ખ્યાલ હોય છે.
સરવાળે, ડિગ્રીધારી યુવાનો તૈયાર થાય છે અને નોકરીએ તો લાગે
છે, પણ તેમની નવેસરથી અને જરૂરિયાત મુજબની તાલીમ પાછળ
ઉદ્યોગોએ અને કંપનીઓએ નવેસરથી ખર્ચ કરવો પડે છે.
દુઃખની વાત
એ છે કે ઉચ્ચ શિક્ષણની કથળેલી ગુણવત્તાનો મુદ્દો વઘુમાં વઘુ પ્રવેશપરીક્ષાઓ સુધી
આવીને ઊભો રહી જાય છે. એક વાર એ અવરોધ પસાર થઇ જાય, એટલે વિદ્યાર્થીઓ ડિગ્રીની લ્હાયમાં પડી જાય છે અને શિક્ષણસંસ્થાઓને ફી
દેખાય છે.
સારા
શિક્ષકોને અભાવ કે ઉપયોગી-સાર્થક શિક્ષણનો અભાવ ચર્ચાનો મુખ્ય વિષય બનતો જ ન હોય,
ત્યાં તેના એના ઉકેલની આશા પણ શી રીતે રાખી શકાય?